Paycheck India in News - Year 2010

‘પે ચેક’ દેશમાં લઘુતમ વેતન અંગે જાગૃતિ સર્જી રહ્યું છે

paulienosse

અમદાવાદ, તા.૪

હંમેશાં નાની વાતથી શરૃ થયેલી પહેલ મોટું પરિણામ લાવતી હોય છે. નેધરલેન્ડમાં વર્ષ ૨૦૦૦માં વેજ યુનિયને તેમની વેબસાઇટ બનાવવા કહ્યું અને પહેલો પ્રશ્ન જે મળ્યો તે લઘુતમ વેતન દર જાણવાનો હતો. આ વિચારે વેજ ઇન્ડિકેટર પ્રોગ્રામ શરૃ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને આજે વિશ્વના ભારત સહિતના ૪૮ દેશોમાં તે મહત્ત્વની કામગીરી કરી રહ્યું છે.

ભારતમાં વેજ ઇન્ડિકેટર પ્રોગ્રામ હેઠળ શરૃ કરવામાં આવેલી વેબસાઇટ પે ચેક.ઇન ભારતમાં લઘુતમ વેતન અંગે જાગૃતિ ઊભી કરી રહી છે તેમ ત્રણ દિવસની અમદાવાદ મુલાકાત માટે આવેલા વેજ ઇન્ડિકેટર ફાઉન્ડેશનના ડાયરેક્ટર પૌલિન ઓસે ‘સંદેશ’ને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું.

ભારતમાં વેજ ઇન્ડિકેટર પ્રોગ્રામનું સંચાલન ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદના પ્રોફેસર બિજુ વર્કી અને તેમની ટીમ કરી રહી છે. ભારતમાં ચાલતી કામગીરી અંગે ઓસે જણાવ્યું કે ‘છેલ્લાં પાંચ વર્ષથી પેચેક ડોટ ઇનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ખૂબ સારી રીતે થઇ રહી છે. ભારતના તમામ રાજ્યોના વિવિધ સ્તરના કર્મચારીઓ, વિવિધ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નક્કી કરાયેલા લઘુતમ વેતન દરને સરકારી તિજોરીમાંથી જાહેર જનતા સુધી પહોંચાડવાનું મોટું કામ અહીં થયું છે. આ કારણે અમે અહીં રિજનલ ઓફિસ શરૃ કરી છે. આ માટેના કરારની કામગીરી ૪ સપ્ટેમ્બર-૨૦૧૦ના રોજ પૂરી કરવામાં આવી છે. અમદાવાદ રિજનલ ઓફિસ બનવાથી તેની નીચે હવે ઇન્ડોનેશિયા, ચીન, કોલમ્બિયા અને શ્રીલંકાના સેન્ટર્સની કામગીરીની જવાબદારી આવશે. અમે વર્ષ ૨૦૧૦ના અંત સુધીમાં ૬૦ દેશોમાં આ કાર્યક્રમ શરૃ કરવા ઇચ્છીએ છીએ.’

તેમણે જણાવ્યું કે ‘અમારી કામગીરીમાં જાણવા મળ્યું છે કે જે ડેટા છે તે સામાન્ય વ્યક્તિને મળવો મુશ્કેલ, સમજવો અઘરો, અવ્યવસ્થિત અને અપારદર્શક છે. અમે આ તમામ બાબતોમાં સુધારો કરી તેને સરળ અને પારદર્શક બનાવવા ઇચ્છીએ છીએ. જ્યાં સુધી અમારી કામગીરી વાત છે તો અમને મળતા પ્રત્યાઘાતો દર્શાવે છે કે પાંચ વર્ષની સફર ખેડીને આ તબક્કે પહોંચ્યા બાદ દરરોજ ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ લોકો સાઇટની મુલાકાત લે છે અને મહિલાઓ સહિત ૩૦ ટકા લોકો તેમના લઘુતમ વેતન દરના અધિકાર અંગે જાગૃત બન્યા છે. કેટલીક કંપનીઓએ અમારી સાઇટ પર વિશ્વાસ મૂકી તેના આધારે પોતાના કર્મચારીઓને સુધારેલા વેતન આપવાનું શરૃ કર્યું છે. આમ છતાં ભારતમાં જોવા મળતી અસમાનતા અંગે ઘણું કરવાનું બાકી છે. આ માટે લોકોની જાગૃતિ જરૃરી છે.’

નેધરલેન્ડના વતની અને રાજકારણી પિતાના પુત્રી ૫૫ વર્ષીય પૌલિન સોશિયલ-ઇકોનોમિક જર્નાલિસ્ટ હતા. ડાયમન્ડ સેક્ટર અંગેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવા ૧૯૯૪માં તેઓ પ્રથમવાર ભારતના સુરતમાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ચાર વાર અમદાવાદ આવી ચુકેલા પૌલિન અમદાવાદના વિકાસથી પ્રભાવિત છે. જ્યારે ભારતના અર્થતંત્ર વિશે વધારે ટિપ્પણી કરવાનું ટાળતા માત્ર એટલું જ કહે છે જે વિકાસ થઇ રહ્યો છે, તે સારી બાબત છે.

Source:Published in SANDESH newspaper, Ahmedabad dated 5-9-2010. http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=219433

 

Also Check: Other Paycheck India in News

 

 

loading...
Loading...